પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને 9 મહિના બાકી હોવા છતાં મહામારી વચ્ચે પેમ્ફ્લેટ-પોસ્ટરનું રાજકારણ


https://ift.tt/3iYqWOr

પશ્ચિમ બંગાળ હાલ કોરોનાથી ઘેરાયેલું છે. કોલકાતા અને હાવડા સહિત કેટલાક જિલ્લામાં સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ વેગ પકડવા લાગી છે. શહેરમાં ‘બાંગ્લાર ગર્બો મમતા’નાં વિશાળકાય પોસ્ટર લાગેલાં છે. વર્ચ્યુઅલ રેલીઓ થઇ રહી છે. સોમવારે ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રોયનું શબ ફાંસી પર લટકતું મળતાં અચાનક મામલો ગરમાયો. પ્રદેશ ભાજપે તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ આને હત્યા ગણાવી મમતા સરકારને આડે હાથ લીધી. બીજી તરફ મમતા દરેક તબક્કે કેન્દ્ર સરકારને કઠેડામાં ઊભી કરી રહી છે.

રાજ્યમાં બધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી મમતા બેનરજી અને બંનેની ઉપર ‘માતા’ (મેરા આદમી, તેરા આદમી)ની આસપાસ ઝડપથી ફરતું દેખાઇ રહ્યું છે. ‘માતા’ની વાત એટલા માટે કે અહીં પક્ષો દરેક વ્યક્તિને કોઇ ને કોઇ પક્ષના કૉડર માને છે. અહીં મહોલ્લા, ટોળાં, ગામ, પંચાયતોના લોકો જ્ઞાતિના નામે નહીં પણ પક્ષોના નામે વહેંચાયેલા છે. પોતે કયા પક્ષના છે એ તેઓ ખુલ્લેઆમ કહે છે. આદિવાસીઓ અને દલિતો વચ્ચે સક્રિય રંજિતકુમાર રાય જણાવે છે કે લોકો ભાજપ અને ટીએમસી બંનેથી અસંતુષ્ટ છે. કોરોના જેવી વિકટ સ્થિતિમાં સામાન્ય માણસની તકલીફો ઓછી કરવાના બદલે બંને પક્ષ પોતાના રાજકારણને ધાર આપવામાં મગ્ન છે.

કોરોના મહામારી વચ્ચે ભાજપ ડોર-ટુ-ડોર સંપર્ક કરી કેન્દ્રના રાહત કાર્યક્રમોનાં વખાણ કરતાં પેમ્ફ્લેટ વહેંચી રહ્યો છે તો તૃણમૂલ કોંગ્રેસ શહેરોમાં પક્ષના ઝંડા અને ફ્લેક્સ લગાવી રહી છે. બંને પક્ષના મોટા નેતાઓની વર્ચ્યુઅલ રેલીઓનો સિલસિલો ચાલી રહ્યો છે. ભાજપનો મુખ્ય મુદ્દો કોરોના સામે લડવા વડાપ્રધાન મોદીએ જાહેર કરેલું 20 લાખ કરોડ રૂ.નું પેકેજ અને મમતા સરકારની નિષ્ફળતા છે જ્યારે તૃણમૂલ દરેક નિષ્ફળતા માટે કેન્દ્રને જવાબદાર ગણાવે છે. તેની વ્યૂહરચનાને પડદા પાછળથી પ્રશાંત કિશોર અંજામ આપી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સ્થિતિ દૂરથી તમાશો જોવાની રહી ગઇ છે. તેમને આશા છે કે તૃણમૂલ અને ભાજપમાં ગયેલા તેમના લોકો પાછા આવશે. ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના સિનિયર લૉયર રામજીત રામના મતે વિધાનસભા ચૂંટણીમાં મમતાએ પડકારોનો સામનો કરવો પડશે.

દીદી આક્રમક નહીં પણ બચાવની મુદ્રામાં છે
ગત લોકસભા ચૂંટણીમાં મમતાને જે ફટકો પડ્યો તેમાંથી તેઓ હજુ સુધી બહાર આવી શક્યાં નથી. વર્તમાન રાજકીય સ્થિતિ એ છે કે દીદી ભાજપ અને કેન્દ્ર સામે જેટલાં આક્રમક દેખાય છે તેનાથી વધુ બચાવની મુદ્રામાં છે. નાટ્યકર્મી મહેશ જયસવાલનું કહેવું છે કે આ વખતે મમતા કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને ચૂંટણીલક્ષી તાલમેળની ઓફર કરી શકે છે.

બંગાળમાં ચૂંટણીહિંસાનો બહુ જૂનો ઇતિહાસ છે
ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રોય (59)ના મોત અંગે ભાજપનો આક્ષેપ છે કે તેમની હત્યા કરાઇ છે. પ્રદેશપ્રમુખ દિલીપ ઘોષએ કહ્યું કે બંગાળમાં અત્યાર સુધીમાં અમારા 105 કાર્યકરની હત્યા થઇ ચૂકી છે. તે અંગે સીબીઆઇ તપાસ થવી જોઇએ. વરિષ્ઠ પત્રકાર ગંગાપ્રસાદ જણાવે છે કે બંગાળમાં 1980થી રાજકીય હિંસા થઇ રહી છે ત્યારે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના લોકો લડતા. હવે તૃણમૂલ અને ભાજપના. માર્યા ગયેલા કાર્યકરોની યાદમાં તૃણમૂલ દર વર્ષે 21 જુલાઇએ શહીદ દિવસ મનાવે છે પણ કોરોનાને કારણે મમતા વર્ચ્યુઅલ રેલી કરી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રોયના મોતને લઇને કોલકાતામાં ઘણા સ્થળે દેખાવો થયા.


from Divya Bhaskar https://ift.tt/32loXxT
https://ift.tt/3iYqWOr

Post a Comment